પાટણ

Table of Contents

પાટણ જિલ્લાના તાલુકા

પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી, સિદ્ધપુર

પાટણ જિલ્લાની રચના

પાટણ જિલ્લાની રચના 2 ઓક્ટોબર, 2000 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી હતી

પાટણ જિલ્લા વિશે

તાલુકા

9

સ્થાપના

2 ઓક્ટોબર, 2000

મુખ્ય મથક

પાટણ

ક્ષેત્રફળ

5,792 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-24

સાક્ષરતા

72.30%

સ્ત્રી સાક્ષરતા

61.05%

પુરુષ સાક્ષરતા

82.90%

વસ્તી

13,43,734

સ્ત્રી વસ્તી

6,49,337

પુરુષ વસ્તી

6,94,397

વસ્તી ગીચતા

232

જાતિ પ્રમાણ

935

નગરપાલિકા

5

ગામડાઓની સંખ્યા

524

ગ્રામ પંચાયત

470

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

4 – (પાટણ, ચાણસ્મા, રાધનપુર, સિદ્ધપુર)

પાટણ જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     બનાસકાંઠા
  • દક્ષિણ    –     સુરેન્દ્રનગર
  • પૂર્વ          –     મહેસાણા
  • પશ્ચિમ     –    કચ્છ,
                          કચ્છનું મોટું રણ,
                          કચ્છનું નાનું રણ
Patan

પાટણ જિલ્લાનો ઇતિહાસ

  • સરસ્વતી નદીના કિનારે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું શહેર એટલે પાટણ. પાટણનો અર્થ સંસ્કૃતમાં ‘પતન શહેર’ તરીકે થાય છે. ગુજરાતને ‘ગુજરાત’ નામ મળ્યા બાદ પાટણ શહેર પહેલું પાટનગર બન્યું હતું. પાટણ તેની સ્થાપના બાદ લગભગ 14મી સદી સુધી ગુજરાતનું પાટનગર બની રહ્યું હતું. ચાવડા, સોલંકી, વાઘેલા, દિલ્હી સલ્તનતના મુસ્લિમ સુબાઓ વગેરે સત્તાઓ પર રહ્યાં અને તેમની રાજધાની પાટણ રહી હતી. સોલંકી રાજવીઓનાં સમયમાં વિસ્તાર, શોભા, વૈભવ, વીરતા, વિદ્યા તથા વાણિજ્યમાં સમગ્ર ભારતવર્ષમાં પાટણ એક પ્રસિદ્ધ શહેર હતું.

  • આ શહેર ચાવડાયુગ, સોલંકીયુગ, વાઘેલાયુગ, દિલ્લી સલ્તનત અને ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના શાસન દરમિયાન રાજધાની રહ્યું હતું. ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી પાટણ ગુજરાતની પ્રથમ રાજધાની બની હતી.

  • વનરાજ ચાવડાના પિતા જયશિખરી પંચાસ૨ (૨ાધનપુર) ખાતે રાજ કરતાં હતાં. કવિ શંકર બારોટે રાજા ભુવડના દરબારમાં જયશિખરીની વીરતા અને આબાદીની કવિતા ગાઈ અને તેનાથી પ્રભાવિત થઈ રાજા ભુવડે પંચાસર પર આક્રમણ કર્યું. આ આક્રમણમાં જયશિખરી વીરગતિ પામ્યાં. મામા સૂરપાળ અને જયશિખરીની પત્ની રૂપસુંદરીને વનમાં મોકલ્યા અને ત્યાં વનરાજ ચાવડાનો જન્મ થયો. જૈન સાધુ શિલગુણસૂરિના આશીર્વાદ તથા મામા સૂરપાળ, મિત્રો અણહિલ ભરવાડ અને ચાંપો બાણાવાળીની મદદથી વનરાજ ચાવડાએ પિતાનું રાજ્ય પાછું મેળવ્યું હતું. વનરાજે અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર પાટણની 28 માર્ચ 746(વિ.સં. 802)ના રોજ સ્થાપના કરી તથા ચાંપાની યાદમાં ચાંપાનેર વસાવ્યું તથા ભાણેજ મૂળરાજે (માતા-લીલાદેવી, પિતા–રાજ) મામા સામંતસિંહની હત્યા કરી સોલંકી વંશની સ્થાપના કરી.

  • ચાવડા વંશમાં વનરાજ, યોગરાજ (ખરેખર યોગી અને ન્યાયપ્રિય રાજા), ક્ષેમરાજ અને સામંતસિંહ (ચાવડા વંશનો છેલ્લો રાજા) જેવા રાજાઓ થઈ ગયા.

  • સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમે સિદ્ધપુરમાં રુદ્રમહાલય બાંધવાનો શરૂ કર્યો હતો (જેનો ધ્વંસ અલાઉદ્દીન ખીલજી દ્વારા થયો હતો) પરંતુ કાર્ય મોટું હોવાથી તેના કાર્યકાળ દરમિયાન પૂરું થઈ શકયું નહી જેને સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવ્યો હતો.

  • મૂળરાજ પછી વલ્લભરાજ અને ચામુંડરાજ જેવા રાજાઓ સત્તા પર આવ્યા હતા. ચામુંડરાજના સમયમાં અલબરૂની ગુજરાત આવ્યો.

  • ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતિ જૂનાગઢના ચૂડાસમા વંશના રાજા રા’ખેંગારના પુત્રી હતાં. તેમણે ઈ.સ. 1063માં પતિ ભીમદેવની યાદમાં પાટણમાં સાત માળની રાણકી વાવ(રાણીની વાવ) બંધાવી હતી.

  • ધનુર્વિદ્યામાં પારંગત ભીમદેવના મંત્રી વિમલે આબુમાં દેલવાડાના તથા આરાસુરમાં જૈન દેરાસરો બંધાવ્યાં હતાં. મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ સોલંકીએ બંધાવ્યું હતું.

  • ભીમદેવ પછી કર્ણદેવ સોલંકી સત્તા પર આવ્યાં. તેમણે કર્ણાવતી નગરની સ્થાપના કરી અને ત્યાં ઉદયન મહેતાએ કર્ણાવતી નગરનો સારો એવો વિકાસ કર્યો.

  • કર્ણદેવે ચંદ્રપુરના રાજા જયકેશીની પુત્રી મીનળદેવી (મયણલ્લાદેવી) સાથે લગ્ન કર્યાં હતાં (કશ્મીરના કવિ બીલ્હણ દ્વારા મીનળદેવી અને કર્ણદેવની પ્રણય કથા ‘કર્ણસુંદરી’ લખાયેલી છે). તેમનો પુત્ર એટલે સિદ્ધરાજ.

  • સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. પિતાના મૃત્યુ સમયે ઉમર નાની હોવાથી મામા મદનપાલ વહીવટ ચલાવતા હતાં. ત્યારબાદ મીનળદેવીએ પાટણની ધૂરા સંભાળી હતી. શાન્તુ મહેતા, મુંજાલ મહેતા જેવા મંત્રીઓ તથા નાગદેવ પરમાર જેવા સેનાપતિઓ તથા શ્રીપાળ અને વાગ્ભટ્ટ જેવા કવિઓ સિદ્ધરાજ જયસિંહના સમયમાં હતાં. સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ સોલંકી વંશનો સુવર્ણકાળ ગણાય.

  • પોતાની અનેરી સિદ્ધિઓ માટે સિદ્ધરાજે સિંહસંવતની શરૂઆત કરી હતી. તે અવંતીનાથ, સિદ્ધરાજ તથા ગુજરાતનો રાજાધિરાજ કહેવાતો હતો. પાટણના પટોળાની કલા કુમારપાળના સમયમાં જ વિકાસ પામી હતી.

  • આચાર્ય હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહની મદદથી ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ વ્યાકરણગ્રંથ લખ્યો અને વાજતેગાજતે વરઘોડો કાઢીને ગ્રંથને હાથીની અંબાડી પર સજાવ્યો. આ ગ્રંથના આઠમા પ્રકરણમાં ગુજરાતી ભાષાનું વ્યાકરણ સમાવાયું છે. ‘અણહિલવાડ પાટણ સર્વવિદ્યા, કળાઓમાં વિશિષ્ટ વિદ્યાધામ છે’- દ્વયાશ્રય ગ્રંથમાં હેમચંદ્રાચાર્યએ આ વાકયનો ઉલ્લેખ કર્યો હતો.

  • રાજા દુર્લભે પાટણમાં દુર્લભ સાગર તળાવનું નિર્માણ કર્યું હતું. જ્યારે અતિવૃષ્ટિમાં આ તળાવ તૂટી ગયું ત્યા૨ે તેનું ફરી વખત પથ્થર દ્વારા સમારકામ કરાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવનું સમારકામ કરાવ્યું અને તેના ફરતે 1008 શિવાલયો બંધાવ્યાં હતાં.

  • સિદ્ધરાજ જયસિંહ નિઃસંતાન હોવાના કારણે રાણી બકુલાદેવીનો પુત્ર કુમારપાળ ગાદી પર આવ્યો. જે ‘ગુજરાતના અશોક’ તરીકે ઓળખાય છે.

  • હેમચંદ્રાચાર્યે સોલંકી રાજા કુમારપાળ (ગુજરાતનો અશોક) વિશે ‘કુપારપાળ ચરિત્ર’ ગ્રંથ લખીને કુમારપાળની પ્રતિષ્ઠા વધારી હતી. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં પશુવધ પર પ્રતિબંધ, લૂંટીને ધન ન લેવું, જુગારની રમત પર પ્રતિબંધ અને અહિંસાના પાલન માટે કડક આદેશો જાહેર કર્યા

  • હતાં. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. તેના અવસાન બાદ તેનો પુત્ર મૂળરાજ બીજો રાજગાદી ૫૨ આવ્યો હતો.

  • કુમારપાળ 12મી સદીમાં દૈનિક પૂજા કરવા માટે રોજ નવો ઝભ્ભો પહેરવા દક્ષિણ મહારાષ્ટ્રના જાલનાના પટોળાના ઝભ્ભા મંગાવતા હતાં. જ્યારે કુમારપાળને ખબર પડી કે જાલનાના રાજા વાપરેલા કપડાં પાટણ મોકલે છે ત્યારે તેણે હુમલો કરી રાજાને હરાવી 700 વણકર કુટુંબોને પાટણ લઈ આવ્યાં અને આ રીતે પાટણના પટોળાને પ્રોત્સાહન મળ્યું.

  • સોલંકી વંશમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા ભીમદેવ બીજા હતાં. જેમણે 64 વર્ષ સુધી પાટણની ધૂરા સંભાળી હતી.

  • સોલંકી વંશના છેલ્લા શાસક ત્રિભુવનપાળ હતાં. ત્યારબાદ વાઘેલા સોલંકી વંશની શરૂઆત થઈ જેમાં આ શાસનનો છેલ્લો રાજા કરણ ઘેલો હતો. કરણ ઘેલાએ મુખ્યમંત્રી માધવ મંત્રીની પત્નીને વશ કરવાની કોશિશ કરી જેથી ગુસ્સે ભરાયેલા માધવમંત્રીએ અલાઉદીનને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું, ત્યારપછી અલાઉદ્દીન ખીલજીએ ગુજરાતમાં દિલ્હી સલ્તનત સ્થાપી. ત્યારબાદ ઉત્તરાધિકારી તરીકે ગુજરાતના સ્વતંત્ર સુલતાનો આવ્યાં જેમાં અહમદ શાહે પોતાની રાજધાની પાટણથી ખસેડીને અમદાવાદ સ્થાપી.

  • પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં એક સમયે બાબી વંશનું શાસન હતું.

  • બેરોનેટ કુટુંબના પૂર્વજ સતી પ્રાણકુંવ૨બાઈએ વિ.સં. 1855માં સતી તરીકે પાટણમાં સમાધિ લીધી હતી.

  • ક. મા. મુનશીએ પાટણને કેન્દ્ર સ્થાને રાખીને ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’, મોહમ્મદ ગઝનવીની આક્રમણ વર્ણવતી નવલકથા ‘જય સોમનાથ’ તથા ‘ભગ્ન પાદુકા’ જેવી રચનાઓ કરી હતી. કનૈયાલાલ મુનશીએ પાટણને ગુજરાતની અસ્મિતાનું મુખ્ય આધારબિંદુ ગણાવ્યું છે.

  • પાટણમાં શાંતિનાથ દેરાસરને મસ્જિદમાં પરિવર્તન કર્યુ જે આજે ‘શેદ ફરીદના રોજા’ તરીકે ઓળખાય છે.

  • કવિ ભાલણની ખડકી પાટણ ખાતે આવેલી છે.(ભાલણે કાદમ્બરીનું ગુજરાતી ભાષામાં પદ્ય પ્રકારના કાવ્યમાં રચના કરી હતી.)

  • નરસિંહરાવ દિવેટિયાએ પાટણને અનુલક્ષીને પંકિત રચી હતી કે – ‘પાટણપુરી પુરાણ હાલ તેજ હાલ આવા’.

  • ગુજરાતની પ્રથમ આયુર્વેદિક કોલેજ ઈ.સ.1923માં પાટણ ખાતે સ્થપાઈ હતી.

  • પાટણમાં શેખ ફરીદનો મકબરો, સુણક ખાતે સવાઇ માતાનું મંદિર અને નિલકંડેશ્વર મહાદેવ મંદિર આવેલાં છે.

  • ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર અણહીલવાડ પાટણ ખાતે આવેલું છે.

પાટણ જિલ્લાની ભૌગોલિક માહિતી

  • જિલ્લાનું મુખ્ય મથક પાટણ છે.
  • વર્ષ 2000ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લાની રચના કરવામાં આવી હતી.

પાટણમાં આવેલી નદીઓ

  • પુષ્પાવતી નદી
  • રૂપેણ નદી
  • અર્જુની નદી
  • બનાસ નદી
  • ઉમરદાસી નદી
  • સરસ્વતી નદી

પાટણ નદી કિનારે વસેલા શહેરો

  • સરસ્વતી નદીના કિનારે પાટણ
  • રૂપેણ નદીના કિનારે શંખેશ્વર
  • બનાસ નદીના કિનારે સાંતલપુર

પાટણ પ્રદેશોની ઓળખ

  • બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ ‘વઢિયાર પ્રદેશ’ કહેવાય છે, જે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. અહીંની વઢિયારી ભેંસો અને કાંકરેજી ગાયો પ્રખ્યાત છે.

  • વઢિયારની પશ્ચિમે કચ્છનું નાનું રણ આવેલું છે. આ નાના રણના પ્રદેશમાં આવેલું ઘુડખર અભ્યારણ્ય પાટણ જિલ્લાના સમી તાલુકાના કોડધા ગામ સુધી હિસ્સો ધરાવે છે.

  • ભારત સરકારે પાટણના પટોળાને વૈશ્વિક ઓળખ આપવા વર્ષ 2013-14માં GI ટેગ આપ્યો હતો.

પાટણ જિલ્લાની આર્થિક માહિતી

પાટણ જિલ્લાની આર્થિક માહિતી પાક, ઉદ્યોગો, સિંચાઇ યોજના, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં જીરું બાજરી, જુવાર, ઘઉં, બટાકા, વરિયાળી, એરંડા, તલ વગેરે પાકો થાય છે
  • આ ઉપરાંત અહીં ઈસબગુલની ખેતી સૌથી વધુ થાય છે.

ઉદ્યોગો

  • પાટણમાં કિનખાબના ઉદ્યોગનો વિકાસ થયો છે. (કિનખાબ – જરીબુટ્ટાના વણાટનું રેશમી કાપડ)

  • પાટણમાં ‘પટોળા’ બનાવવાનો ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. (બેવડ – બંને બાજુ અને ઈકત એટલે વણાટ) તેમાં બંને બાજુ એક જ ભાતનું વણાટ ક૨વામાં આવે છે. આ પટોળા બંને બાજુ પહેરી શકાય છે.

  • અહીં, કૃત્રિમ રેશમ અને સૂતરના ઉપયોગથી મશરૂનું કાપડ બનાવવામાં આવે છે. આ પ્રકારના કાપડમાં બહારની બાજુએ રેશમી અને શરીરને અડતી અંદરની બાજુએ સુતરાઉ દોરાથી વણેલા રેશમી લહેરિયામાં રેશમી અને સુતરાઉ દોરાને લાલ, લીલા, પીળા રંગોથી રંગવામાં આવે છે.

  • 12મી સદીમાં કુમારપાળના સમયમાં પટોળાને સારું એવું પ્રોત્સાહન મળેલું.

સિંચાઈ યોજના

  • માતરવાડી ડેમ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 27 અને 68 (નવા) નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

રેલવે સ્ટેશન

  • પાટણ રેલવે સ્ટેશન
  • સિદ્ધપુર રેલવે સ્ટેશન
  • રાધનપુર રેલવે સ્ટેશન

પાટણ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

પાટણ જિલ્લાની ઐતિહાસિક ધરોહર, વાવ, તળાવ, સરોવર, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, લોકકલા, સંગ્રહાલયો, ગ્રંથાલયો, ગ્રંથભંડાર, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.

ઐતિહાસિક ધરોહર

  • રાણકી વાવ (રાણીની વાવ)
  • સહસ્ત્રલિંગ તળાવ
  • પંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસર

વાવ - તળાવ - સરોવર

  • બિંદુ સરોવર
  • અલ્પા સરોવ૨
  • રાણકી વાવ
  • જ્ઞાન વાવ
  • ત્રિકમ બારોટની વાવ
  • ખાન સરોવર અને ખાન દ૨વાજો
  • આનંદ સરોવર
  • સિદ્ધસર તળાવ
  • સહસ્ત્રલિંગ તળાવ
  • બ્રહ્મ કુંડ
  • દેરાણી-જેઠાણીનો કૂવો
  • બહાદૂરશાહનો કૂવો

મેળા - ઉત્સવો

  • વરાણાનો મેળો
  • કાત્યોકનો મેળો
  • લોટેશ્વરનો મેળો

લોકનૃત્ય

  • સનેડો નૃત્ય

લોકકલા

  • પાટણ જિલ્લો તેના વિશિષ્ટ પ્રકારના ‘પટોળા’ માટે દેશ-દુનિયામાં પ્રખ્યાત છે. પટોળાને સંસ્કૃતમાં ‘પટ્ટદકલ’ કહે છે. પટોળા ‘બેવડ ઈક્ત’ શૈલીમાં બનાવવામાં આવે છે. (બેવડ એટલે બંને બાજુ અને ઈકત એટલે વણાટ) પટોળામાં રેશમી તાણાવાણાને વણતાં પહેલાં અગાઉથી નક્કી કરેલી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે અને ત્યારબાદ તેને ચોક્કસાઈપૂર્વક શાળ પર ગોઠવી ફૂલો, પોપટ, હાથી, મોર ઉપરાંત ફૂલોવાળી વિશિષ્ટ ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના પટોળા તૈયાર કરવામાં છ મહિના થી એક વર્ષ જેટલો સમય લાગતો હોય છે. આ શૈલીના કારીગરો કુમારપાળના શાસનકાળ દરમિયાન આવીને વસ્યાં હતાં. એમની આ કળા આશરે 850 વર્ષોથી પણ વિશેષ પ્રાચીન હોવાનું મનાય છે.

  • આ પ્રકારની સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. કવિ દલપતરામે પટોળાને ઉદ્દેશીને પંક્તિ રચી છે કે, ‘મરતા સુધી મટે નહીં પડી ટેવ પ્રખ્યાત; ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત..’

સંગ્રહાલય ( મ્યુઝિયમ )

  • પાટણ સંગ્રહાલય
  • શ્રીસ્થળ સંગ્રહાલય

ગ્રંથાલયો - ગ્રંથભંડાર

  • વિમલ ગચ્છ જૈન ગ્રંથભંડાર
  • શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

પાટણ જિલ્લાના વિરલ વ્યક્તિઓ

પાટણ જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, સંગીતકલા ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • આખ્યાનના પિતા – કવિ ભાલણ (જન્મ : તા. પાટણ)
  • સ્વામી સચ્ચિદાનંદ (જન્મ : તા. સમી)
  • મોહનલાલ પટેલ (જન્મ : તા.પાટણ)
  • દિગિશ મહેતા (જન્મ : તા.પાટણ)
  • ભવાઈના રચિયતાં અસાઈત ઠાકર (જન્મ : તા. સિદ્ધપુર)
  • પુષ્ટિમાર્ગીય કિર્તનકાર- ચંપકલાલ નાયક (જન્મ : તા. પાટણ)

સંગીતકલા ક્ષેત્રે

  • રાસબિહારી દેસાઈ (જન્મ : તા. પાટણ)